Pages

Tuesday 2 April 2013

પ્રતિ : વીર વાંચવાવાળા....



વાચકને  કાંઠે -

કોઈ લેખક પ્રકાશક બને એ કરતાં કોઈ પત્રકાર પ્રકાશક બને એ વિશેષ ઘટના છે. કેમ કે વાચકો કેટલા છે, કેવા છે અને એમને કેવું વાંચવાનું ગમે છે એની માહિતી પત્રકાર પાસે લેખકો કરતાં થોડી વધુ અને વ્યવસ્થિત હોય. પુસ્તક-પ્રકાશનનું સાહસ શરુ કરનાર ત્રણ મિત્રો માંથી ભાઈ ધૈવત ને હું ઓળખતો નથી પણ ઊર્વીશ અને દીપકને સજગ પત્રકાર-વાચક તરીકે જાણું છું. બન્ને ના લખાણમાં કોઈ પણ મેલોડ્રામા સિવાય નીપજતી સંસ્કૃતિ અને ભાષા વિશેની નિસ્બત જોઈ શકાય છે. ભાઈ દીપકે તો છેલ્લા કેટલાંક સમયથી વિશ્વ-સાહિત્યના મોતી ઓ છાપાની કોલમમાં ગુજરાતી અજવાળે મૂકવાનું પણ આદર્યું છે. ભાઈ ઊર્વીશની ઉપર છલ્લી છાપ રાજકીય પત્રકાર તરીકેની હોઈ શકે પણ ધૂળધોયાઓની જેમ એ પણ સ્વામી આનંદ રચિત્ ધરતીની આરતી જેવાં આલેખનોનો સંગ્રહ આપી શકે એવું અને એટલું કામ કરી ચૂક્યા છે.

આવાં જણ પુસ્તક-પ્રકાશનના કામમાં પડે ત્યારે...? સવાલનો જવાબ ‘સાર્થક પ્રકાશન’ના નામે આગામી એપ્રિલ ૧૩થી સત્તાવાર રીતે પ્રગટ થશે અને સતત પ્રગટતો રહેશે.

પ્રકાશકો પૈસા બનાવવા આ લાઈનમાં પડી રહ્યાં હોય એવું ગુજરાતી પ્રકાશનનો હાલનો માહોલ તેમ આમને અલપ-ઝલપ ઓળખનાર પણ માની ન શકે.

તો આ દુઃસાહસ શીદ હશે..?
જેમ ભાવુક અને ઉત્સાહી લેખક-કવિઓ સાહિત્યિક સામયિક શરુ કરતાં હોય છે એમ થોડી વધુ ભાવુકતા અને થોડાં વધુ ઉત્સાહ સાથે આ ત્રણે પુસ્તક-પ્રકાશન આરંભી રહ્યાં હોય એવું હું માનું છું. પ્રકાશન સમારંભના એક માત્ર વક્તા નગેન્દ્ર વિજય છે. આ પરથી ખ્યાલ આવી જાય કે સાર્થક પ્રકાશનનો અભિગમ કમર્શિયલ નહીં અને કર્મશીલ હશે.

કરોડ રૂપિયાનો સવાલ છે કે શું આપણી પ્રજા આ ભાવુક ઉત્સાહને હોંકારો આપશે...?
ગુજરાતી ભાષાનું વર્તમાન-ભવિષ્ય જેવાં વિષય પર ડાહી ડાહી વાતો કરવાનું માધ્યમ તો એમની પાસે છે પણ એક નવું માધ્યમ સર્જીને આ મિત્રો માઉથ ને સ્થાને મની મુકવાનું મન બનાવી બેઠાં છે.
-     તો આપણે સહુએ પણ શુભેચ્છાઓ ઉપરાંતનો ફાળો આપવો રહ્યો, નહીં...? – જે શુભેચ્છાઓને ‘સાર્થક’ કરી શકે...!!
####

4 comments:

  1. બહુ જ સરસ ભાવનાથી શરૂ કરેલ આ સત્કાર્યને જ્વલંત સફળતા મળે, તેવી શુભેચ્છા.

    ReplyDelete
  2. પ્રિય રાજુભાઇ
    વાંચીને આનંદ થયોઃ-)
    શુભેચ્છા બદલ આભાર.

    ReplyDelete
  3. ભાઈ ઊર્વીશ...
    તમને ગમ્યું એ અમને ગમ્યું...!! :)

    ReplyDelete