Pages

Thursday 14 November 2019

સાચી ગજિયાણીનું કાપડું-એક નોંધ.-- રાજુ પટેલ


સાચી ગજિયાણીનું કાપડું- લેખક : પન્નાલાલ પટેલ -એક નોંધ.
આહા રોમાન્સ  !!


પન્નાલાલ પટેલ




ફરી એક વાર લક્ષ્યવેધનું દ્રશ્ય – આ વખતે તીર તરીકે લખુડો અને પણછ બન્યા છે શિવલાલ શેઠ માછલીની ભૂમિકામાં છે – વારતા....
###
એક વિવાહાસ્પદ કન્યા. જે વાતના કેન્દ્રમાં છે . વાતના બે છેડા છે : એ કન્યાને ચાહતો એનો ન્યાતીલો  પડોશી લખુડો. અને લખુડો એ કન્યાના વિવાહમાં એક મોંઘું કપડું ઉપહાર તરીકે આપવા માંગે છે તે કપડું વેચનાર શિવલાલ શેઠ – શું લખુડો ઉધારમાં એ ઈચ્છે છે વસ્તુ ઉપહાર તરીકે આપવા મેળવી શકશે ? આ છે તખ્તો.
સંઘર્ષ કોઈ પણ કથાનું સંચાલક તત્વ હોય છે. આ કથામાં સંઘર્ષ છે નાયકના આર્થિક અભાવ અને એની એક ભાવુક ઇચ્છાનો. લખુડો ગરીબ છે , શિવલાલ શેઠને ત્યાં એની અગાઉની ઉધારી ખાતે બોલે છે અને એવી સ્થિતિમાં એ હજી એક નવી ઉધારી કરવા આવ્યો છે. જેને એ ચાહે છે એના માટે એ મોંઘી કિમતનું કાપડ લેવા માંગે છે. સામાન્ય કાપડ કરતાં લગભગ સાત ગણી વધુ કિમતનું કાપડ !
આ મિશન ઇમ્પોસિબલ લાગે એવા તત્વ લેખકે વારતામાં સુપેરે ગોઠવ્યા છે. લખુડો માત્ર ગરીબ જ નથી હલકી વરણનો પણ છે આથી ઉધારીમાં મોંઘી વસ્તુ વ્હોરવાની એની સંભાવના વધુ અઘરી બની જાય છે. સામે ઉધાર કાપડ આપી શકે એ દુકાનદાર શેઠનો વ્યવહાર, ભાષા અને અનુભવ આ અસંભવ લાગતાં સોદાને વધુ અશક્ય બનાવી મૂકે છે. દુકાનદાર શિવલાલ શેઠ ગરીબો કે નીચી જાતિના લોકો પ્રત્યે સંવેદનશીલ નથી જ ઉપરાંત પાકા વેપારી હોવાને નાતે ઉધારિયા ગ્રાહકો પ્રત્યે હોય શકે એટલા બેદરકાર અને તુચ્છ ભાવથી જોનારા પણ છે આથી લખુડો પોતાની ઈચ્છા પૂરી તો ઠીક વ્યક્ત પણ કરી શકશે કે એ વાચકને શંકા જવા માંડે.
પણ દિલ હૈ કી માનતા નહીં ! આ બધી જ વિકટ પરિસ્થિતિમાં લખુડો પોતાની ભાવુક ધગશ સાથે અડીખમ છે – અને શેઠ પાસે મોંઘું કપડું ઉધાર એ ધરાર માંગે છે જ – સામાન્ય કપડું નહિ પણ સાચી ગાજિયાણીનું કાપડું.
શેઠ લખુડાની માંગથી નવાઈ પામે છે : અરે પણ ગજિયાણીના મૂલની તને કંઈ ખબર છે કે બસ એમ જ? આ કંઈ એનો વિવા ઓછો છે કે દેજમાં–'’

આ એ વળાંક છે જ્યાં વારતા વળ લે છે, લખુડાની માંગની પ્રતિક્રિયામાં શેઠના સ્વરમાં કડવાશ કે ચિઢ નથી પણ અચરજ છે !
શેઠનું જે પાત્રાલેખન થયું છે એ પ્રમાણે તો જે વહેવાર ત્રણ રૂપિયાના સાદા છીંટના કપડાથી ચાલી શકે એ માટે આ ઉધારનો ગ્રાહક વીસ રૂપિયાથી વધુ કિમતની ગુણવત્તાનું કપડું માંગે તો શેઠે એને કડક શબ્દોમાં ખખડાવી ચાલતો જ કરવાનો હોય પણ શેઠ એવું કશું નથી કરતાં અને નરમાશથી પૂછે છે - અરે પણ ગજિયાણીના મૂલની તને કંઈ ખબર છે કે બસ એમ જ? આ કંઈ એનો વિવા ઓછો છે કે દેજમાં–'’
અહીંથી લેખક અન્ય તાણો વણે છે – શેઠના અતીતનો તાણો. લખુડો જે કન્યાને આ ભેટ આપવા માંગે છે એ કન્યાની મા સાથે શેઠનો એક અલ્પજીવી તો અલ્પજીવી પણ સુંવાળો અતીત છે અને એ અતીત શેઠને દુકાનદાર તરીકે ઓછો અને માણસ તરીકે વધુ વરતવા પ્રેરે છે.
###
હિન્દી વારતાકાર ગોવિંદ મિશ્રએ એક વાર કહેલું : આદમી નામકી ચીજ કભી બાસી નહીં હોતી – અહીં પન્નાલાલ આ કૃતિમાં માણસ વિરુધ્ધ વ્યવહારનો પ્રમેય માંડી સિદ્ધ કરે છે કે માણસાઈ સર્વોપરી છે. ગજા ઉપરાંતની ઉધારી કરી પોતાના પ્રિય પાત્રને ઉપહાર આપવાની લખુડાની નિયત એને મૂઠી ઊંચેરો પ્રેમી સાબિત કરે છે. આ દુસાહસથી લખુડાને મળશે શું ? :  “ .... એમ કે આ આટલી બધી ઊંચી જાતનું કાપડું લઈ જાઉં તો પે'રનારીને તો જોઈને જ રાજી થવાનું ને ?”
---  આ છે લખુડાની પ્રાપ્તિ. પ્રેમમાં જાતને ઓગાળી સાક્ષી બની ભાવ માણવાની સ્થિતિ એ લખુડો પહોંચી જાય છે.
જ્યાંથી અગાઉની ઉઘરાણી ચૂકતે થવાના ઠેકાણા નથી ત્યાં આ મોંઘું કાપડું આપી શેઠને શું ફાયદો થશે ? એક નાનકડા સમયખંડમાં શેઠે જમની નામની સ્ત્રી સાથે વિતાવેલ એક ભાવપૂર્ણ સંબંધ અહીં શેઠને નફા નુકસાનની પેલે પાર લઈ જાય છે.લખુડો જેને આ કપડું ભેટ આપવા ઈચ્છે છે એ કન્યા આ જમનીની દીકરી છે – વહીખાતામાં શેઠ આ સોદાની ઉધારીની નોંધ માંડતા નથી કેમકે શેઠ ઉધાર આપી નથી રહ્યા બલ્કે ચૂકવી રહ્યા છે !
શેઠ સાથેના સંબંધે જમનીને ગર્ભવતી બનાવી અને ન્યાતમાં હોહા થઈ કે ત્યક્તા સ્ત્રીને ગર્ભવતી બનાવનાર પુરુષ કોણ ? ત્યારે જમનીએ શેઠનું નામ ન પાડ્યું – કેમ ? કારણકે જમની સમજતી હિતી કે આ આખી વાત એક ગુના તરીકે, એક પાપ તરીકે જ મૂલવાશે- એક મધુર સંબંધને સમાજ એક છીનાળું કરાર આપશે અને સંબંધનું અવમૂલ્યન રોકવા જમની મૌન રહી શિથિલ ચારિત્ર્યનું આળ સ્વીકારી લે છે પણ ભાવ સંબંધને લૂણો નથી લાગવા દેતી !
જમની કે લખુડો ભલે નીચી જાતના હોય કે શેઠ ભલે શોષણકર્તા વ્યાપારી અને સવર્ણ હોવાના મદમાં મત્ત જાતિના હોય પણ સંવેદનની કસોટી આવે ત્યારે આ સહુ એકવીસ કેરેટના સોના જેવા ટકોરબંધ સાબિત થઈ શકે છે એ આ વારતામાં સહેજે બોલકા થયા વગર વ્યક્ત થાય છે.
###
કોઈ કૃતી કવ્વાલી જેવી હોય અને કોઈ જુગલબંદી જેવી અને કોઈ યમન કલ્યાણ રાગની જેમ ચૂપચાપ હૈયા સોંસરવી ઊતરતી.... આ વારતા જુગલબંદી જેવી છે. કવ્વાલીમાં બંને હરીફ કલાકારો એક જ રાગમાં એક બીજાથી ચઢિયાતાં આરોહ અવરોહ પ્રસ્તુત કરી  હરિફને હંફાવે અને શ્રોતાઓનું મનરંજન કરે જ્યારે જુગતલબંદીમાં બંને સાથી કલાકારો એક જ રાગના વિવિધ આરોહ અવરોહ તબક્કાવાર પૂરક રીતે વારાફરતી રજૂ કરતાં જાય અને શ્રોતાઓનું મન હરે. અહીં રાગ છે રોમાન્સ અને લખુડો એક આલાપ મૂકે છે તો શેઠ બીજો – અને ક્રમશ: શ્રોતા પંહોંચે છે પ્રેમરાગના એક અનન્ય મકામ પર...
####
હે વત્સ તને શું દેખાય છે ?
મને લખુડાની ગરીબી દેખાય છે, લખુડાની આવી ભેટ પર એના ન્યાતના લોકોનો ઠઠ્ઠો દેખાય છે , મને શેઠના ઉભરાઇ જનારા ક્રોધ અને અપમાન દેખાય છે....
હે વત્સ બાકી બધું અવગણી તું ફક્ત તારા લક્ષ્ય પર એકાગ્ર થા – માત્ર લક્ષ્ય – એ સિવાય કશું ન જો –
-અને આપણને સાંપડે છે કથાવેધ !

####################################

Tuesday 3 April 2018

જયંત ખત્રીની "ધાડ" —એક નોંધ ----રાજુ પટેલ


જયંત ખત્રીની "ધાડ" એક નોંધ






( મમતા નવેમ્બર ૧૭ અંકમાં છપાયેલ વારતા પર એક નજરીયો)


સ્વૈરવિહારી રખડું અને અનિચ્છાએ એક લૂંટમાં જોડાતો નાયક કઈ રીતે લૂંટ દરમિયાન માંદા પડી જતા લુંટારુ સાથીને પાછો ઘેર પહોંચાડી તેના અવસાન બાદ ફરી પોતાના ભ્રમણમાં ઉપડી જાય છે તેની વાત.
વારતાના પહેલા તબક્કામાં નાયક પ્રાણજીવનને ઘેલો મળે છે અને એને પોતાના કપરા વાતાવરણમાં જીવવાના સંઘર્ષની કંઇક બડાઈ લાગે એવી વાતો કહે છે. અને જીવનને નજીકથી જોવાનું ઈજન આપે છે.એક દિવસ નાયક પ્રાણજીવન નું ઘેલાને ઘેર પહોંચી જવું અને ઘેલાનું નાયકને બળજબરીથી પોતાની સાથે ધાડ પાડતાં સાથે લઇ જવું.
વારતામાં જે ઘટે છે તે એક ઘટનાક્રમની હારમાળા છે જે સામાન્ય નથી પણ કંઈ અનોખી કે અદભુત પણ નથી બલકે કૈક અંશે વિચિત્ર અને અસ્વસ્થ કરનારી છે. ઘેલાની પત્નીના રૂપાળા હોવું, કામગરી અને આજ્ઞાંકિત હોવું છંતા ઘેલાનો એની સાથેનો નિર્મમ વ્યવહાર, ઘેલાનું પ્રાણજીવનને ધાડ પાડવા સાથે ખુબ સહજતાથી લઇ જવું, ધાડ માટે નીકળતી વેળાએ ઘેલાની પત્નીનું પ્રાણજીવનને ઘેલાની સંભાળ લેવા માટે કહેવું, પ્રાણજીવનનું ઘેલાને જણાવવું કે એને આવા કામમાં નથી જોડાવું છંતા ઘેલાનું એની નામરજી પર ધ્યાન આપવું, પ્રાણજીવનનું ઘેલાની ઈચ્છા વિરુદ્ધ લુંટમાં જોડાવું...
વારતા ક્યાં જઈ રહી છે કંઈ સમજાતું હતું. સાંઢણી વિના અડધી રાતે અટવાતા રણમાંના પ્રવાસી જેવી સ્થિતિ હતી વાંચતા. માર્ગ છે અને ચાલીએ છીએ પણ દિશા ? કંઈ ગમ પડે.
વારતા આગળ વધે છે. પ્રાણજીવનને ઘેલાએ સાથે રહેવા કહ્યું છે, કોઈ કામગીરી સોંપી નથી અને પ્રાણજીવનના સ્વભાવ સાથે લૂંટની કામગીરી મેળ ખાતી નથી તેમ છંતા
તેમ છંતા એક નાજુક પળે પ્રાણજીવન અનુભવી સાથીની જેમ લુંટમાં ભાગ લે છે. લુંટાઈ રહેલા શેઠ અને અને શેઠાણી ઘેલાના અંકુશમાં છે પણ અચાનક શેઠની યુવા પુત્રી આવી ચડતાં પ્રાણજીવન ત્વરિત ગતિએ એના પર હુમલો કરી એને પણ અંકુશમાં આણી દે છે...
-અહીં મારી સોય અટકી ગઈ.
હવે જરા વધુ પડતું થઇ રહ્યું હતું. મિત્ર ભાવે મળવા આવેલા પ્રાણજીવનને એની મરજીની દરકાર કર્યા વિના ઘેલો ધાડમાં જોડી દે છે સમજાયું, પ્રાણજીવન નાછુટકે ઘેલા સાથે ધાડ મારવા જતા ઘસડાય છે પણ સમજાયું. ઘેલો નિર્દયતાથી શેઠ શેઠાણી પર હુમલો કરે છે પણ પ્રવાહમાં છે પણ ત્યાં સુધી મૂક અને કૈંક અણગમા સાથે સાક્ષી બની રહેલો નાયક , પ્રાણજીવન ધાડમાં અચાનક સક્રિય થઇ જાય !! શું કામ ..?
મારી સોય અટકી ગઈ અને લાગ્યું કે અહીં ક્યાંક ચાવી છે વાતને સમજવાની. આગળનો પ્રવાસ અટકાવી ફરી વારતા તપાસી. શરૂઆતમાં ઘેલો પ્રાણજીવનને રણમાં ઉગતા અને સંઘર્ષ કરતા ચેરિયાના ઝાડ વિષે કહે છે :
ચેરિયાનું ઝાડ નર્યા કાદવ પર ખારા પાણી વચ્ચે કેમ પોષણ પામ્યું, કેમ મોટું થતું હશે, ક્યાંથી ખોરાક મેળવતું હશે, અને કેમ જીવન ટકાવી રાખતું હશે એનો વિચાર આવ્યો છે તને કોઈ દહાડો?
લાંબી લાગતી વારતામાં ચેરિયાના ઝાડની ભૂમિકા શું છે ? એને કેમ આટલું મહત્વ..?
પ્રાણજીવનને અચાનક શું થયું કે એણે નિર્દોષ છોકરી પર હુમલો કર્યો ?
વચ્ચે ઘેલાની પત્નીની મોહકતા અને વિવશતા શું સૂચવતી હશે ?
ધાડ પર જનારા એક ધાડપાડુની દિનચર્યામાં ઘટનાક્રમ શું મહત્વ ધરાવતું હશે ? :
ઘેલાએ ઊભા થતાં ખભેથી ધક્કો દઈ મને ખાટલા પર પછાડયો. હું હંમેશ માનતો આવ્યો છું કે માણસજાત સમજાવટ કરતાં જુલમને સહેલાઈથી વશ થાય છે. ગુલામી ગમી જાય એવો નશો છે, પ્રાણજીવન !
હશે.હું પડયો હતો ત્યાંથી એની સામેય જોયા વગર મેં નીરસતાથી જવાબ આપ્યો.
બરાબર વખતે મેં એક મોટા ઉંદરને ઝડપથી દાખલ થતો જોયો, ઘેલાએ મીંદડીની ઝડપથી તરાપ મારી પગ નીચે દાબી કચડી નાખ્યો. મૃત્યુની એક ચિચિયારી મોઢામાંથી કાઢવાનો એને સમય મળ્યો. સફેદ માટીની લીંપેલી દીવાલ પર લોહીનો ફુવારો ઊડતો મેં જોયો. ખાટલાના પાયા પર લોહીનાં છાંટણાં થયાં. મેં શરીર સંકોચી ને આવતાં કમકમાં અટકાવ્યાં. તોયે મારા શરીર પરની રૂવાટી ઊભી થઈ ગઈ હોવાનું મને ઊંડે ઊંડે ભાન થયું.
એઈ!!ઘેલાએ પેલી સ્રીને સાદ દીધો.
દોડતી આવી ઉંબરા આગળ ઊભી રહી. પહેલાં મારી તરફ જોયું, થોડું જોઈ રહી પછી ઘેલા તરફ જોયું. ઘેલાએ કશું બોલ્યા વગર મરેલા ઉંદર તરફ આગંળી ચીંધી. પેલીએ ખૂણામાંથી સૂપડી ઉપાડી ઝાડુથી મરેલા ઉંદરને એમાં એકઠો કર્યો અને બહાર જતી હી
અનુભવી જુગારી રમતના પાનાંઓને બે ભાગમાં વહેંચી સામસામાં ગોઠવી, બન્ને અંગુઠાની મદદથી બન્ને ભાગના પાનાં એવી કળાથી છોડે કે સામસામાં મુકાયેલા બન્ને ભાગના પાનાં એકબીજામાં ભેગાઈ જાય કૈંક પ્રકારે હું લેખકે આપેલી માહિતીને ઉંધી ચત્તી કરી ભેળવી રહ્યો અને મને એક વિચિત્ર બાજી મંડાયેલી દેખાણી.
મને લાગ્યું કે પ્રાણજીવન ઘેલો અને મોંઘી અને ચેરિયાનો છોડ એક પાત્ર છે. એક પાત્રના ભિન્ન ચહેરા છે. રણમાં ઘટતી ઘટના પ્રાણજીવનના મનમાં ઘટતી ઘટનાનો આલેખ છે.
પ્રાણજીવન એક બેફીકર અને પોતાની શરતે જીવન જીવતો માણસ. પણ જીવે છે તે હાલ બદલાય છે. એની વર્તમાન નોકરી છૂટે છે. લેખક પહેલા વાક્યમાં કહે છે :
હું ફરી પાછો બેકાર બન્યો.
ખભા પર કોથળો લઈ, કિનારે કિનારે ચાલતો હું બંદર છોડી રહ્યો હતો ત્યારે અઢી મહિનાની નોકરીની હૂંફ આપતી એક યાદ એક પિછાન મનમાંથી ખસતી નહોતી.
મતલબ હવે ટકવા માટે કૈંક કરવું પડશે સ્થિતિમાં એને ઘેલો યાદ આવ્યો. ઘેલાની ઓળખાણ કેવી રીતે પ્રાણજીવન સાથે થઇ ? લેખક જણાવે છે :
ઊંચો, કદાવર, બિહામણો દેખાય એવો દેહ, સફેદ દાઢી, ઝીણી કટારીની ધાર જેવી તીક્ષ્ણ આંખો, સશક્ત રેખાઓ મંડિત ચહેરો, ચોક્કસ સાવચેત પગલે મારી પાસે આવ્યો ત્યારે એના આવ્યાની કળ પડી અને સામે ઉપસ્થિત થયો ત્યારે ડર લાગ્યો.
અને પછી વાતાવરણ પણ જ્યારે સાનુકૂળ રીતે મૂક હતું ત્યારે એણે વાતો કરવી શરૂ કરી બહુ નિખાલસ મને. પણ એણે મને પોતાના પસીનાનો અડધો રોટલો ખવડાવ્યો ત્યારે મારું મન ભરાઈ આવ્યું. મારી નાનકડી જિંદગીમાં કોઈની બિરાદરીનો રોટલો ખાવાની મને બહુ ઓછી તક મળી છે અને આવા પ્રસંગની યાદને મેં બહુ જાળવણીથી સંઘરી રાખી છે.
ઘેલા પાસે જીવનનો એક ઉકેલ હતો:
દોસ્ત પ્રાણજીવન, જીવતરનો ભેદ અને એની મુશ્કેલી ઉકેલવાનો માર્ગ એક છે, કે માથાભારે થવું. આપણાથી વધારે તાકાતવાન હોય એનાથી વધારે તાકાત બઢાવવી અને એને નીચો નમાવવો આવી વાતો તારી સમજમાં ઊતરે છે?’
માણસની અંદર રહેલ અનૈતિક કામ કરવાની સંભવિત વૃત્તિ, વૃત્તિનું સ્વરૂપ અને વૃત્તિની પોતાના વજૂદ માટેની દલીલ બધું અહીં જોઈ શકાય છે. કોઈ નબળી ક્ષણે વૃત્તિના પ્રતાપે થયેલો લાભ આપણને વૃત્તિની કેફિયત સાંભળવાની ફરજ પાડે ઈંગિતપણ એણે મને પોતાના પસીનાનો અડધો રોટલો ખવડાવ્યો ત્યારે મારું મન ભરાઈ આવ્યું. મારી નાનકડી જિંદગીમાં કોઈની બિરાદરીનો રોટલો ખાવાની મને બહુ ઓછી તક મળી છે-- ઉલ્લેખમાંથી મળી રહે છે.
પ્રાણજીવનને જ્યારે ઘેલો પોતાની સાથે ધાડમાં જબરદસ્તી જોતરે છે ત્યારે એવી છાપ દેખીતી રીતે ઉભી થાય છે કે પ્રાણજીવન સાથે સિતમ થઇ રહ્યો છે, નવાણીયો કુટાઈ જવાનો. પણ પ્રાણજીવન તો શરૂઆતથી જાણતો હતો કે ઘેલોજહાં સચ ચાલે વહાં જૂઠ સહી, જહાં હક મિલે વહાં લૂંટ સહીઅભિગમનો છે... પહેલી મુલાકાતથી . અને પ્રાણજીવન ઘેલાની ફીલોસોફીનો વિરોધ નથી કરી રહ્યો. એક નાજુક તબક્કો છે જેમાં વિરોધ કરવું સમર્થન છે. અને ઘેલો સમજે છે માટે અચાનક મળવા આવેલા પ્રાણજીવનને ધાડમાં સામેલ કરે છે કેમ કે સમજે છે કે પ્રાણજીવનનું આમ આવવું મતલબ મન બનાવી કામમાં જોડાવા આવ્યો છે. પણ હજી કદાચ ઢચુપચુ છે. માટે ઘેલો એની પોચાશ ખંખેરે છે :
અત્યાર પહેલાં ગુસ્સામાં ઊભો થઈ ગયો હતો. ફરી ખાટલા પર મારે પડખે ગોઠવાઈને બેઠો.
જવું છે એક જોખમ ખેડવા. પણ હું જ્યારે જોખમથી લડું છું ત્યારે જોખમ હંમેશ હારે છે, સમજ્યો? બીજું કોઈ હોત તો કહેત કે આવવું હોય તો આવ સાથે નહિ તો રોટલો ખાઈને ચાલતી પકડ. નામર્દો માટે અમારી સુકાઈ ગયેલા ધાવણવાળી ધરતી પર ક્યાંયે સ્થાન નથી !


પ્રાણજીવનની અંદરના સારા માણસને પ્રાણજીવનની અંદરનો ખરાબ માણસ સમજાવી રહ્યો છે, દબાણ કરી રહ્યો છે , તય્યાર કરી રહ્યો છે કે હવે કરવું પડશે અને બીજો કોઈ માર્ગ નથી. ચેરિયાના ઝાડની જેમ આપણે ટકવાનું અને લડત આપવાનું છે :
છોડનાં મૂળિયાં પહેલાં કાદવમાં ઊંડે જાય છે, તેથી છોડ પોતાના થડ પર મજબૂત બને છે, પણ કાદવમાં પોષણ મળતાં મૂળિયાં પાછાં બહાર નીકળી થડની આસપાસ પથરાઈ જઈ, પોતાના કાંટા મારફત હવામાંથી પોષણ મેળવે છે, સમજ્યા?’
હવામાંથી?’
હા, હવામાંથી,’ ઘેલાએ કહ્યું, ‘અને તોયે આવી જહેમતથી મોટા થયેલા અને માણસાઈથી ટટ્ટાર ઊભેલા છોડને અમારાં ઊંટ ખાઈ જાય છે, સૂકવી નાખે છે. તો ભેદ છે જીવનનો, દોસ્ત પ્રાણજીવન, કે દયા, મમતા, ધર્મ બધી ચોપડીમાંની વાતો છે. સાચેસાચ તો જે વધારે માથાભારે છે તે વધારે સારું જીવન જીવે છે.
મનના વિરોધી સૂરને દબાવી પ્રાણજીવન ઘેલા સાથે જવા તય્યાર થઇ રહ્યો છે પણ ઘેલાને ઘેર આવ્યો છે ત્યારથી એના ઈરાદામાં મોંઘી ગોબો પાડી રહી છે. કોણ છે મોંઘી ? ઘેલાની પત્ની. ઘેલો જો પ્રાણજીવનમાં રહેલી બુરાઈનો પડઘો છે તો મોંઘી ઘેલા રહેલી અચ્છાઈનો પડઘો છે. પ્રાણજીવન અને મોંઘી વચ્ચેનો સંબંધ નિર્ણય લઇ શકતી સારપ અને વિવશ સારપ જેવા બે અંતિમોનો સંબંધ છે બે વચ્ચે બળશાળી ઘેલો છે. મોંઘીનો આઘાત છેતમે પણ એમની જોડે જવાના ? [ વાંચો : તમે કામમાં સાથ આપશો ? તમારે તો આમ થતું રોકવાનું હોય ] વાંચો પ્રાણજીવન અને મોંઘી વચ્ચેનો સંવાદ :
ઉંબરામાં ઊભી હતી અને અમારી નજર ટકરાઈ ત્યારે એણે ઓચિંતાંનું પૂછી નાખ્યું : તમે જવાના છો એમની સાથે?’
હા.
એમ?’ મારી સામે વિસ્મિત નયનોએ જોતી, બેબાકળી, ઉતાવળે બે પગલાં પાછળ હઠી, પીઠ ફેરવી પોતાના ઝૂંપડામાં ગઈ ત્યારે મેં બૂમ પાડી : સાંભળો છો કે?’
હતી ત્યાં ઊભી રહી, મારી તરફ પીઠ ફેરવીને.
તમારું નામ શું?’
મોંઘી.માંથું ફેરવ્યા વગર ઉત્તરનો ટુકડો મારી તરફ ફેંકી ફરી ઝૂંપડા તરફ જઈ રહી અને મેં ફરી પૂછયું : પણ તમે વાત અધૂરી મૂકી જતાં કેમ રહો છો? હું જાઉં એની સાથે?
કશો ઉત્તર આપ્યા વિના ઉતાવળે પગલે પોતાના ઓરડામાં જતી રહી.
પ્રાણજીવન માટે મોંઘીનો રવય્યો મોંઘો છે, માંડ માંડ કામમાં જોડાવાના સ્તરે પહોંચ્યો છે અને મોંઘીનો પોકાર સાંભળવા જેટલી સ્વસ્થતા ટકાવી નથી શક્યો આથી મોંઘીના ઈંગિત અવગણી ઘેલા સાથે જવા નીકળે છે.


જીવન શ્વેત શ્યામ નથી, માણસો શ્વેત શ્યામ નથી હોતા. પ્રાણજીવન સારો નથી, થોડો ખરાબ છે. પણ થોડો સારો પણ છે . એક નબળી ક્ષણે જો સારો પ્રાણજીવન ઘેલામય બની ધાડનો આક્રમક હિસ્સેદાર બને છે તો એક સબળી ક્ષણે ખરાબ ઘેલો પીગળી જઈ પ્રાણજીવનમય પણ બને છે :
પણ પછી, પરિસ્થિતિને કેવી રીતે પલટો આપવો, એનો હજુ તો હું વિચાર કરું છું, એટલી વારમાં મેં ઘેલાના હાથની ગતિ અટકી જતી જોઈ, ગુસ્સામાં બહાર આવેલું જડબું ઓચિંતાનું પાછળ હઠી ગયું, કપાળ પરની નસો ઓચિંતાની ઊપસી આવી. ચહેરા પરની સખત રેખાઓ અદૃશ્ય થઈ અને એની આંખના ડોળા બહાર ધસી આવ્યા.
હું એની પાસે દોડી ગયો. એને ખભે હાથ મૂકી કોડિયું એના મોઢા આગળ ધરી રહેતાં મેં જોયું તો એના મોઢાને ડાબે ખૂણેથી ફીણ નીકળી રહ્યાં હતાં.
શું થયું?’ મેં પૂછયું.
ઘેલાની બહાર ધસી આવેલી લોહીનીતરતી આંખોએ મારી સામે ટગર ટગર જોયા કર્યું. એણે ડોકું ધુણાવ્યું.
મેં એનો ડાબો હાથ ઊંચક્યો અને જતો કર્યો તો નિષ્પ્રાણ એના ખોળામાં પડી રહ્યો.
ઘેલાને પક્ષાઘાતનો હુમલો થયો હતો.
####
મયદાનવની સૃષ્ટિના એક હિસ્સા જેવી વારતા લાગી. જે દેખાય છે તે તે નથી અને જે છે તે સહેલાઈથી નજરે ચઢતું નથી. વારતા પ્રાણજીવનની અંદર રહેલી અનૈતિકતા પ્રત્યેની ઘેલછા, ઘેલછાને નાથવાના વિફળ પ્રયાસ કરતી ઘેલામાં રહેલી મોંઘી અને અંતત: બુરાઈની થતી પીછેહઠની કથા લાગી મને.
-રાજુ પટેલ




################################################