Pages

Tuesday, 9 April 2013

દીવાવાળા દીવાના : પહેલું કિરણ.



દીવાવાળા દીવાના ઓ ની વાત :

બહુ અંધારું છે દોસ્તો...કોઈ દીવો પ્રગટાવે તો આપણે છાપરે ચડી બૂમો મારી ને સહુ ને કહીશું...બૂમ સાંભળશો તો સાર્થક ગણાશે.
 આ પહેલી બૂમ :
ગુજરા હુઆ જમાના- કૃષ્ણકાંત (કે.કે.)
(ફિલ્મ અભિનેતા-નિર્દેશક કે.કે.નાં રાજ કપુરથી રાજેશ ખન્ના અને મધુબાલાથી માધુરી દીક્ષિત સુધીની ફિલ્મી સફર નાં સંભારણાં અને સંખ્યાબંધ તસવીરો. સંપાદન બીરેન કોઠારી)
સાઇઝ- . ઇંચ બાય . ઇંચ,
પાનાં- આશરે ૩૦૦
કિંમત- રૂ. ૩૦૦

અને આ બૂમ ને આકર્ષક બનાવવા દીવાનું થોડું તેજ : ભગવતીકુમાર શર્મા એ લખેલી પ્રસ્તાવના...

મોટા ગજાના ચરિત્ર અભિનેતાની વિનમ્રપૂર્ણ સ્મૃતિકથા
કૃષ્ણકાંત મગનલાલ ભૂખણવાલા. આ નામ મોટા ભાગના લોકોને તદ્દન અપરિચીત લાગે. કદાચ એવી લાગણી પણ થાય કે આ નામનો સુરતનો કોઈ વણિક વ્યાપારી હશે. ભૂખણવાલા અટક આમેય સુરતની મશહૂર શરાફી પેઢી સાથે સંકળાયેલી છે. પરંતુ કે.કે. અથવા કે.કે.સાહેબ એ બે શબ્દો ઉચ્ચારાય એટલે મનમાં કશુંક જુદું જ અજવાળું ફેલાય. સાચી વાત છે! કે.કે. અથવા કે.કે.સાહેબ એટલે જ કૃષ્ણકાંત. હિન્‍દી અને ગુજરાતી ફિલ્મો તથા નાટકોમાં એક ચરિત્ર અભિનેતા અને દિગ્દર્શક તરીકે દાયકાઓ સુધી પોતાનું એક વિશિષ્ટ સ્થાન નિશ્ચિત કરનાર કે.કે. અર્થાત્‍ કૃષ્ણકાંત ભૂખણવાલા સુરતના બાલાજી રોડ વિસ્તારના રહીશ. જીવનનો ઉદયકાળ અને ઉત્તરાર્ધ સુરતમાં વીતાવ્યો અને શ્રેષ્ઠ કારકિર્દી મુખ્યત્વે મુંબઈના ફિલ્મઉદ્યોગમાં વ્યતીત કરી. કલકત્તામાં જન્મેલા આ વિશિષ્ટ ગુજરાતીના ફિલ્મી સંભારણાંની ગાથા એટલે આ ગુઝરા હુઆ ઝમાના પુસ્તક તો ખરું જ, પરંતુ તે સાથે છેલ્લા કેટલાય દાયકાઓના હિન્‍દી અને ગુજરાતી ફિલ્મઉદ્યોગ તથા ગુજરાતના નાટકીય ક્ષેત્રની પણ એક પ્રકારની તવારીખ. 
દીવા માં તેલ પૂરનાર : કૃષ્ણકાંત (કે.કે.)

નિખાલસપણે કહું તો હું ક્યાંય સુધી કે.કે.સાહેબના નામ અને કામથી બહુ પરિચીત નહોતો. હિન્‍દી ફિલ્મોના એક ગણનાપાત્ર ચરિત્ર અભિનેતા તરીકે તેમનું નામ મારા જેવા ફિલ્મરસિકને કાને કોઈ કોઈ વાર અથડાતું ખરું. મેં તેમની બધી જ ફિલ્મો જોઈ છે, એવો દાવો પણ હું કદાપિ ન કરું. પરંતુ ફિલ્મકારકિર્દીને અંતે તેઓ જ્યારે એમના વતન સુરતમાં સ્થાયી થયા અને મારા પરિચયમાં આવ્યા ત્યારથી મારી અને એમની વચ્ચે, અમારી વચ્ચે વયમાં ઠીકઠીક અંતર હોવા છતાં, નિ:સ્વાર્થ કલામૈત્રી સ્થપાઈ અને તે ચિરંજીવ રહેવા સર્જાયેલી છે. જોગાનુજોગ તો એ થયો કે એક વાર કે.કે.સાહેબ મારે ઘેર આવ્યા ત્યારે અમદાવાદમાં રહેતાં મારાં મસિયાઈ બહેન મંજુલાબેન ઓઝા પણ હાજર હતાં. તેઓ તો આકંઠ ફિલ્મરસિક. મેં જ્યારે બન્નેનો પરિચય કરાવ્યો ત્યારે મંજુલાબેન તો કે.કે.સાહેબને મળીને અત્યંત ભાવવિભોર બની ગયાં. તેમણે તો તેમની મોટા ભાગની ફિલ્મો જોયેલી. આવો મોટો ચરિત્ર કલાકાર અને આટલો સાદોસીધો કલાકાર જોઈને બહેનને ઘણું આશ્ચર્ય થયું. મને તે દ્વારા કે.કે.સાહેબની કલાકાર અને માણસ તરીકેની ઉંચાઈનો વધારે ખ્યાલ આવ્યો હતો.
રેડિયો હોસ્પિટલ’. કોઈ દુકાનનું આવું નામ હોઈ શકે? હા, સુરતના લાલગેટ વિસ્તારમાં મુસા ચશ્માવાળાની દુકાનના માળ પર કે.કે.ની એ નામની રેડિયોની દુકાન હતી. વાયરલેસ એન્‍ડ ઈલેકટ્રીકલ એન્‍જિનિયરીંગનું ભણેલા એટલે ત્યાંથી જ તેમની વ્યવસાયિક કારકિર્દી શરૂ થયેલી. પણ કલકત્તામાં રહેલા, તેથી ફિલ્મોનો પાકો રંગ તેમના મન-હૃદય પર ચડ્યો હતો. જેમને તેઓ આજે પણ ભારતના પ્રથમ સુપરસ્ટાર તરીકે બીરદાવે છે, તે કુંદનલાલ સાયગલના તેઓ પ્રખર પ્રશંસક. ચાળીસનો દાયકો આમેય સાયગલસાહેબની બોલબાલાથી સભર હતો. ફિલ્મની મધમાખીનો મીઠો ડંખ કે.કે.ને મુંબઈ લઈ આવ્યો. સદ્‍ભાગ્યે એમને કેટલાક સાનૂકુળ સંજોગો મળતા ગયા. પ્રથમ પગથિયે જ તેમને નિતીન બોઝ જેવા તે સમયના સુવિખ્યાત, યશસ્વી ફિલ્મદિગ્દર્શકનો પરિચય થયો. કલકત્તાની પ્રસિદ્ધ ફિલ્મનિર્માણ સંસ્થા ન્યુ થિયેટર્સનો સૂર્ય ત્યારે કંઈક ઢળતો થવા આવ્યો હતો. તેથી ત્યાંના કલાકારો-કસબીઓ વગેરેની દોડ મુંબઈના ફિલ્મઉદ્યોગ ભણી શરૂ થઈ ગઈ હતી. હિમાંશુ રોય અને દેવીકા રાણીની કિર્તીવંત ફિલ્મનિર્માણ સંસ્થા બોમ્બે ટૉકીઝનો સૂર્ય તપતો હતો અને ત્યાં બંગાળી કલાકારો-કસબીઓનું ખાસ્સું વર્ચસ્વ હતું. કે.કે.સાહેબ એ માહોલમાં પ્રવેશ્યા. મશાલ નામની એક ફિલ્મમાં તેમને નાનકડી ભૂમિકા મળી. ત્યાર પછી આંદોલન ફિલ્મમાં તેમને લાંબી ભૂમિકા મળી. એ ફિલ્મના નાયક હતા કિશોરકુમાર. ફિલ્મ ખાસ ચાલી નહોતી, પણ અત્યંત યુવાન વયના કૃષ્ણકાંત પર ત્યારથી ચરિત્ર અભિનેતાનો કાયમી સિક્કો લાગ્યો તે લાગ્યો જ. મુંબઈનો ફિલ્મઉદ્યોગ આમેય કલાકારોને ટાઈપ્ડ બનાવી દેવાની ટેવ અથવા કુટેવ ધરાવે છે. 
કોડિયું શણગારનાર  : ભગવતીકુમાર શર્મા

મેં એક વાર કે.કે.સાહેબને પૂછ્યું હતું, “આપને કેન્‍દ્રમાં રાખીને જ કોઈ ફિલ્મ કેમ બનાવાઈ નહીં?” ત્યારે તેમણે કહ્યું હતું, “ત્યારે નિર્માતાઓમાં એવી દૃષ્ટિ જ નહોતી, જે પછીથી વિકસી. ચરિત્ર અભિનેતા એટલે ચરિત્ર અભિનેતા. તેને કોઈ પણ પ્રકારની ભૂમિકા આપીએ તો ચાલે!”
મને હમણાંનો વારંવાર વિચાર આવે છે કે કૃષ્ણકાંત ભૂખણવાલા વીસેક વર્ષ મોડા જન્મ્યા હોત તો કદાચ મહાન અભિનેતા સંજીવકુમાર જેવી તેમની કારકિર્દી કેટલેક અંશે બની શકી હોત. સંજીવકુમારને આપણે યુવાન વયથી જ વૃદ્ધ સહિતની અનેક વિવિધ ચરિત્ર ભૂમિકાઓમાં જોયા અને માણ્યા છે. જોગાનુજોગ એ છે કે કે.કે. અને સંજીવકુમાર બન્ને સુરતી, ગુજરાતી. એ વાતચીતમાં કે.કે.એ પૂરી નિખાલસતાથી કહ્યું હતું, “મારો ચહેરોમહોરો  પણ ફિલ્મના નાયક બનવાને યોગ્ય નહીં, એટલે જે ભૂમિકાઓ મળી તે મેં સ્વીકારી લીધી હતી.” એ.કે.હંગલ તો મોટી વયે ફિલ્મોમાં આવ્યા હતા અને છેલ્લે સુધી ચરિત્ર અભિનેતા રહ્યા હતા, પણ કે.કે.એ તો પોતાની યુવાવસ્થાથી જ વાર્ધક્ય સુધીની સુદીર્ઘ મજલ ક્યારેક પિતા, ક્યારેક મોટા ભાઈ, ક્યારેક ખલનાયક, ક્યારેક હાસ્યઅભિનેતા વગેરે ચરિત્ર ભૂમિકાઓ વડે જ નિભાવી. નિભાવી અને યશ પ્રાપ્ત કર્યો. પોતાની આ લાંબી ફિલ્મયાત્રા દરમ્યાન કે.કે. ન તો ક્યારેય કોઈની સાથે સંઘર્ષમાં ઉતર્યા, ન તેઓ કોઈ વિવાદનું પાત્ર બન્યા. આજે પણ જ્યારે કદીક તેમને પ્રત્યક્ષ કે ફોન પર મળવાનું થાય છે ત્યારે મારા મનમાં ઊંડા સ્તર સુધી તેમની મુખ્ય મુદ્રા નિતાંત એક સુજન માનવ અને ગેરફિલ્મી વ્યક્તિ તરીકેની જ ઉભરે છે. આવો નખશિખ મનુષ્ય ફિલ્મઉદ્યોગમાં હોય અને ત્યાં તે પોતાની સફળ કારકિર્દી બનાવી શકે એ હકીકત ફિલ્મક્ષેત્રનું સદ્‍ભાગ્ય લેખાવું પડે. 
વાટ સંકોરનાર :  બીરેન કોઠારી

હવે તો ૯૧મા વર્ષમાં પ્રવેશેલા કે.કે.ની દેહાકૃતિ બહુ ઉંચાઈ ધરાવતી ન લાગે, પણ એકવડીયા કાંઠાના કે.કે.ને પરદા પર અને નાટકના મંચ પર ઉર્જાસંપન્ન રીતે અભિનય કરતા, સંવાદો બોલતા જોવા-સાંભળવા એ જેટલી સુખદ્‍ તેટલી જ અહોભાવ ઉપજાવે એવી અનુભૂતિ છે. એમનો અવાજ અમિતાભ બચ્ચન કે બલરાજ સહાની જેવો ખરજનો નથી; કંઈક પાતળો પણ લાગે, પરંતુ તેમનાં સંવાદોચ્ચારણોની ભાવસભરતા આકર્ષક બને જ. મને યાદ છે: મેં ગાંધીજી વિષે એક રેડિયોનાટક લખ્યું હતું. તેમાં ગાંધીજીનું પાત્ર કે.કે. ભજવે એવી મારી ઈચ્છા હતી. તે ફળીભૂત પણ થઈ. મારા ચિત્તમાં ત્યારેય રિચાર્ડ એટનબરોની ફિલ્મ ગાંધીમાં બેન કિંગ્સ્લેએ ભજવેલી ગાંધીજીની ભૂમિકા તાજી હતી. વળી ગાંધીજીના પોતાના કંઠમાં તેમના ભાષણોના અંશો તો અવારનવાર રેડિયો પર સાંભળવા મળે જ. આથી ગાંધીજીનો અવાજ અને તેમની બોલવાની લઢણ મારા મનમાં અંકિત હતાં. મેં કે.કે. સમક્ષ એ વાત કરી, તો તેમણે કહ્યું, “હું ગાંધીજીના બોલવાની લઢણનું અનુસરણ નહીં કરું, માત્ર તમારા સંવાદોના ભાવોને ન્યાય આપવાનો હું પ્રયત્ન કરીશ.” પછી મેં રેડિયો પર તેમના સંવાદો સાંભળ્યા ત્યારે મને ખૂબ રાજીપો થયો. સંવાદોના ભાવપક્ષને તેમણે પૂરેપૂરો ન્યાય કર્યો હતો. તેમની અવિસ્મરણીય સંવાદોચ્ચરણક્ષમતાનું આ એક નાનકડું, પણ સચોટ દૃષ્ટાંત હતું.
સુરતના મારા મિત્ર અને કલારસિક પંકજભાઈ કાપડિયાએ એક વાર તેમની સંસ્થામાં કે.કે.સાહેબની ઘણી બધી ફિલ્મોના અંશોનું  સંકલન કરેલી એક ફિલ્મ પ્રદર્શિત કરી હતી, જેને સુરતના જ સંશોધક-ફિલ્મ ઈતિહાસકાર હરીશ રઘુવંશીએ તૈયાર કરી હતી. તે જોયા પછી મને કે.કે.સાહેબની સુદીર્ઘ રેન્‍જનો વિશેષ ખ્યાલ આવ્યો હતો. આ મહાન કલાકાર આપણી વચ્ચે પૂરા લો પ્રોફાઈલ વ્યક્તિત્વ સાથે મોજૂદ છે એ અનુભવ જ ધન્યકર્તા નીવડે તેવો છે. તેમણે દિગ્દર્શીત કરેલી ગુજરાતી ફિલ્મ વિસામો તેમના નિવાસસ્થાને અને તેમની મહત્વની ભૂમિકા ધરાવતી ગુજરાતી ફિલ્મ નર્મદા તારાં વહી જતાં પાણી છબિઘરમાં જોવાની મને તક મળી હતી. વિસામો ફિલ્મમાં તેમના અભિનય અને દિગ્દર્શનથી હું પ્રભાવિત થયો હતો. બીજી ફિલ્મમાં તેમણે તેમની ભૂમિકા તો નિષ્ઠાથી ભજવી જ હતી.
દિલીપકુમાર, રાજ કપૂર, દેવ આનંદ, સંજીવકુમાર, રાજેશ ખન્ના, મધુબાલા, નરગીસ, ઉષાકિરણ, સ્મિતા પાટીલ ઈત્યાદિ જેવા મહાન કલાધુરંધરો સાથે મહત્વની ભૂમિકાઓ ભજવનાર કે.કે.સાહેબ પોતાની કારકિર્દીની એ મહાન ક્ષણોનો કોઈ ભાર પોતાના મસ્તક કે મન પર રાખતા નથી, એ તેમની ઉંચી માનવગરિમાનો પરિચય આપે છે. 
દીવો -

કે.કે.સાહેબની જીવનકથા ગુઝરા હુઆ ઝમાના સુરતના વિખ્યાત દૈનિક અખબાર ગુજરાતમિત્રમાં ૪- ૭-૧૯૯૩ થી ૧-૧-૧૯૯૫ દરમ્યાન ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ ત્યારે હું તેનો નિયમીત વાચક. એ સમાપ્ત થઈ ત્યારથી જ તે પુસ્તકાકારે પ્રગટ થાય તેવો મારો આગ્રહ. પણ બાળક અને પુસ્તકના જન્મનો સમય નિયતિએ ઘડી રાખેલો હોય છે. ૧૭ વર્ષના લાંબા અંતરાલ પછી આ જીવનકથા પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહી છે તેનો કે.કે.સાહેબને તો આનંદ હોય જ, પણ મારા જેવા તેમના અનેક મિત્રો અને પ્રશંસકો માટે આ એક યાદગાર અવસર છે. આ પુસ્તકમાંથી કે.કે.સાહેબનું વ્યક્તિત્વ, તેમનું જીવન અને કર્તૃત્વ અથેતિ તથા યોગ્ય પરિપ્રેક્ષ્યો અને સંદર્ભો સાથે આપણી સમક્ષ ઉઘડતું આવે છે, તે તેમની સરળ, નિરાડંબરી જીવનશૈલી અને તેની જ લેખનશૈલીનો પરિપાક છે.
કે.કે.સાહેબ! આપ અમારી વચ્ચે, આપના અસંખ્ય પ્રશંસકો વચ્ચે સુદીર્ઘ સમયથી સક્રિય છો એ અમારું સદ્‍ભાગ્ય છે. આપના અભિનયના શબ્દે શબ્દે અને ભાવે ભાવે અમે ગંભીર બન્યા છીએ, પ્રસન્ન થયા છીએ અને ભાવાનુભૂતિમાં ઓગળી પણ ગયાં છીએ. માત્ર નવ વર્ષને અંતરે રહેલી આપની જન્મશતાબ્દિ આપની ઉપસ્થિતિમાં જ ઉજવવાનો ધન્ય અવસર અમને સાંપડે એવી અભ્યર્થના.
તા.૨૨/૦૯/૨૦૧૨                                                    - ભગવતીકુમાર શર્મા
૩૨- બી, પવિત્રા રો હાઉસીસ,
ગેટ નં ૨, સહજ સુપર સ્ટોર નજીક,
હની સર્કલ પાસે, અડાજણ રોડ,
સુરત- ૩૯૫ ૦૦૯.




4 comments:

  1. Replies
    1. કેતન, -lovely.... !! -- શું...? પ્રસ્તાવના...? પુસ્તક...? એકાદ શબ્દ વધુ ઉમેર્યો હોત કમેન્ટ માં...!!

      Delete
  2. આ બ્લોગ માટે તેમનો પરિચય પ્રસિદ્ધ કરવો છે. ડેટા આપશો તો આભારી થઈશ ..

    http://sureshbjani.wordpress.com/

    ReplyDelete
    Replies
    1. સુરેશભાઈ,
      તેમનો એટલે કોનો પરિચય ...? કૃષ્ણકાંત ભાઈ...? કે બિરેન કોઠારી...? કે ભગવતી ભાઈ...?
      રાજુ.

      Delete