સાચી ગજિયાણીનું કાપડું- લેખક : પન્નાલાલ પટેલ -એક નોંધ.
આહા રોમાન્સ !!
પન્નાલાલ પટેલ
|
ફરી એક વાર લક્ષ્યવેધનું
દ્રશ્ય – આ વખતે તીર તરીકે લખુડો અને પણછ બન્યા છે શિવલાલ શેઠ માછલીની ભૂમિકામાં
છે – વારતા....
###
એક વિવાહાસ્પદ કન્યા. જે
વાતના કેન્દ્રમાં છે . વાતના બે છેડા છે : એ કન્યાને ચાહતો એનો ન્યાતીલો પડોશી લખુડો. અને લખુડો એ કન્યાના વિવાહમાં એક
મોંઘું કપડું ઉપહાર તરીકે આપવા માંગે છે તે કપડું વેચનાર શિવલાલ શેઠ – શું લખુડો
ઉધારમાં એ ઈચ્છે છે વસ્તુ ઉપહાર તરીકે આપવા મેળવી શકશે ? આ છે તખ્તો.
સંઘર્ષ કોઈ પણ કથાનું
સંચાલક તત્વ હોય છે. આ કથામાં સંઘર્ષ છે નાયકના આર્થિક અભાવ અને એની એક ભાવુક
ઇચ્છાનો. લખુડો ગરીબ છે , શિવલાલ શેઠને
ત્યાં એની અગાઉની ઉધારી ખાતે બોલે છે અને એવી સ્થિતિમાં એ હજી એક નવી ઉધારી કરવા
આવ્યો છે. જેને એ ચાહે છે એના માટે એ મોંઘી કિમતનું કાપડ લેવા માંગે છે. સામાન્ય
કાપડ કરતાં લગભગ સાત ગણી વધુ કિમતનું કાપડ !
આ મિશન ઇમ્પોસિબલ લાગે એવા
તત્વ લેખકે વારતામાં સુપેરે ગોઠવ્યા છે. લખુડો માત્ર ગરીબ જ નથી હલકી વરણનો પણ છે
આથી ઉધારીમાં મોંઘી વસ્તુ વ્હોરવાની એની સંભાવના વધુ અઘરી બની જાય છે. સામે ઉધાર
કાપડ આપી શકે એ દુકાનદાર શેઠનો વ્યવહાર, ભાષા અને
અનુભવ આ અસંભવ લાગતાં સોદાને વધુ અશક્ય બનાવી મૂકે છે. દુકાનદાર શિવલાલ શેઠ ગરીબો
કે નીચી જાતિના લોકો પ્રત્યે સંવેદનશીલ નથી જ ઉપરાંત પાકા વેપારી હોવાને નાતે
ઉધારિયા ગ્રાહકો પ્રત્યે હોય શકે એટલા બેદરકાર અને તુચ્છ ભાવથી જોનારા પણ છે આથી
લખુડો પોતાની ઈચ્છા પૂરી તો ઠીક વ્યક્ત પણ કરી શકશે કે એ વાચકને શંકા જવા માંડે.
પણ દિલ હૈ કી માનતા નહીં !
આ બધી જ વિકટ પરિસ્થિતિમાં લખુડો પોતાની ભાવુક ધગશ સાથે અડીખમ છે – અને શેઠ પાસે
મોંઘું કપડું ઉધાર એ ધરાર માંગે છે જ – સામાન્ય કપડું નહિ પણ સાચી ગાજિયાણીનું કાપડું.
શેઠ લખુડાની માંગથી નવાઈ
પામે છે : “અરે પણ ગજિયાણીના મૂલની તને કંઈ ખબર છે કે બસ એમ જ? આ કંઈ એનો વિવા ઓછો છે કે દે’જમાં–'’
આ એ વળાંક છે જ્યાં વારતા વળ લે છે, લખુડાની માંગની પ્રતિક્રિયામાં શેઠના સ્વરમાં કડવાશ કે ચિઢ નથી પણ અચરજ
છે !
શેઠનું જે પાત્રાલેખન થયું છે એ પ્રમાણે તો
જે વહેવાર ત્રણ રૂપિયાના સાદા છીંટના કપડાથી ચાલી શકે એ માટે આ ઉધારનો ગ્રાહક વીસ
રૂપિયાથી વધુ કિમતની ગુણવત્તાનું કપડું માંગે તો શેઠે એને કડક શબ્દોમાં ખખડાવી
ચાલતો જ કરવાનો હોય પણ શેઠ એવું કશું નથી કરતાં અને નરમાશથી પૂછે છે - “અરે પણ ગજિયાણીના મૂલની તને કંઈ ખબર છે કે બસ એમ જ? આ કંઈ એનો વિવા ઓછો છે કે દે’જમાં–'’
અહીંથી લેખક અન્ય તાણો વણે છે – શેઠના અતીતનો
તાણો. લખુડો જે કન્યાને આ ભેટ આપવા માંગે છે એ કન્યાની મા સાથે શેઠનો એક અલ્પજીવી
તો અલ્પજીવી પણ સુંવાળો અતીત છે અને એ અતીત શેઠને દુકાનદાર તરીકે ઓછો અને માણસ
તરીકે વધુ વરતવા પ્રેરે છે.
###
હિન્દી વારતાકાર ગોવિંદ
મિશ્રએ એક વાર કહેલું : આદમી નામકી ચીજ કભી બાસી નહીં હોતી – અહીં પન્નાલાલ આ
કૃતિમાં માણસ વિરુધ્ધ વ્યવહારનો પ્રમેય માંડી સિદ્ધ કરે છે કે માણસાઈ સર્વોપરી છે.
ગજા ઉપરાંતની ઉધારી કરી પોતાના પ્રિય પાત્રને ઉપહાર આપવાની લખુડાની નિયત એને મૂઠી
ઊંચેરો પ્રેમી સાબિત કરે છે. આ દુસાહસથી લખુડાને મળશે શું ? :
“ .... એમ કે આ આટલી બધી ઊંચી જાતનું કાપડું લઈ જાઉં તો પે'રનારીને તો જોઈને જ રાજી થવાનું ને ?”
--- આ છે લખુડાની પ્રાપ્તિ. પ્રેમમાં જાતને ઓગાળી
સાક્ષી બની ભાવ માણવાની સ્થિતિ એ લખુડો પહોંચી જાય છે.
જ્યાંથી અગાઉની ઉઘરાણી
ચૂકતે થવાના ઠેકાણા નથી ત્યાં આ મોંઘું કાપડું આપી શેઠને શું ફાયદો થશે ? એક નાનકડા સમયખંડમાં શેઠે જમની નામની
સ્ત્રી સાથે વિતાવેલ એક ભાવપૂર્ણ સંબંધ અહીં શેઠને નફા નુકસાનની પેલે પાર લઈ જાય
છે.લખુડો જેને આ કપડું ભેટ આપવા ઈચ્છે છે એ કન્યા આ જમનીની દીકરી છે – વહીખાતામાં
શેઠ આ સોદાની ઉધારીની નોંધ માંડતા નથી કેમકે શેઠ ઉધાર આપી નથી રહ્યા બલ્કે ચૂકવી
રહ્યા છે !
શેઠ સાથેના સંબંધે જમનીને
ગર્ભવતી બનાવી અને ન્યાતમાં હોહા થઈ કે ત્યક્તા સ્ત્રીને ગર્ભવતી બનાવનાર પુરુષ
કોણ ? ત્યારે જમનીએ શેઠનું નામ
ન પાડ્યું – કેમ ? કારણકે જમની સમજતી હિતી કે આ આખી વાત એક
ગુના તરીકે, એક પાપ તરીકે જ મૂલવાશે- એક મધુર સંબંધને સમાજ
એક છીનાળું કરાર આપશે અને સંબંધનું અવમૂલ્યન રોકવા જમની મૌન રહી શિથિલ
ચારિત્ર્યનું આળ સ્વીકારી લે છે પણ ભાવ સંબંધને લૂણો નથી લાગવા દેતી !
જમની કે લખુડો ભલે નીચી
જાતના હોય કે શેઠ ભલે શોષણકર્તા વ્યાપારી અને સવર્ણ હોવાના મદમાં મત્ત જાતિના હોય
પણ સંવેદનની કસોટી આવે ત્યારે આ સહુ એકવીસ કેરેટના સોના જેવા ટકોરબંધ સાબિત થઈ શકે
છે એ આ વારતામાં સહેજે બોલકા થયા વગર વ્યક્ત થાય છે.
###
કોઈ કૃતી કવ્વાલી જેવી હોય
અને કોઈ જુગલબંદી જેવી અને કોઈ યમન કલ્યાણ રાગની જેમ ચૂપચાપ હૈયા સોંસરવી
ઊતરતી.... આ વારતા જુગલબંદી જેવી છે. કવ્વાલીમાં બંને હરીફ કલાકારો એક જ રાગમાં એક
બીજાથી ચઢિયાતાં આરોહ અવરોહ પ્રસ્તુત કરી
હરિફને હંફાવે અને શ્રોતાઓનું મનરંજન કરે જ્યારે જુગતલબંદીમાં બંને સાથી
કલાકારો એક જ રાગના વિવિધ આરોહ અવરોહ તબક્કાવાર પૂરક રીતે વારાફરતી રજૂ કરતાં જાય
અને શ્રોતાઓનું મન હરે. અહીં રાગ છે રોમાન્સ અને લખુડો એક આલાપ મૂકે છે તો શેઠ
બીજો – અને ક્રમશ: શ્રોતા પંહોંચે છે પ્રેમરાગના એક અનન્ય મકામ પર...
####
હે વત્સ તને શું દેખાય છે ?
મને લખુડાની ગરીબી દેખાય છે, લખુડાની આવી ભેટ પર એના ન્યાતના લોકોનો
ઠઠ્ઠો દેખાય છે , મને શેઠના ઉભરાઇ જનારા ક્રોધ અને અપમાન
દેખાય છે....
હે વત્સ બાકી બધું અવગણી
તું ફક્ત તારા લક્ષ્ય પર એકાગ્ર થા – માત્ર લક્ષ્ય – એ સિવાય કશું ન જો –
-અને આપણને સાંપડે છે કથાવેધ
!
####################################