ડેડ એન્ડ – જયંત ખત્રી - એક નોંધ./ કિશોર પટેલ.
અભિધાના સ્તરે જોઈએ તો નીલી અને ફીફી નામની એકબીજાથી ભિન્ન બે રૂપજીવિનીઓની વાત અહીં થાય છે. એક નીલી છે જેણે ભવિષ્યનું રંગીન સ્વપ્નું જોયું છે. એ યોજનાબદ્ધ રીતે પૈસા બચાવી રહી છે. વેશ્યાવ્યવસાયમાંથી નિવૃત્તિ લઇ, યોગ્ય પુરુષ જોડે લગ્ન કરી એક બાળકીને જન્મ આપવાનું રંગીન સ્વપ્નું એણે જોયું છે. બીજી એક ફીફી છે. એનો મોટો ભાઈ ટ્રકડ્રાઈવર હતો. એ ભાઈના અકસ્માત મૃત્યુ પછી એ સ્ટ્રીટ વોકર એટલે કે રસ્તે રઝળતી વેશ્યા બની છે. એના સ્વભાવમાં ઘણી કડવાશ છે. એ માને છે કે લગ્ન એક ઠગાઈ છે. એ પુરુષજાતને ધિક્કારે છે. એના જીવનમાં આળસ અને કંટાળા સિવાય બીજું કંઈ નથી. એ માને છે કે બીજાઓનું જીવન પણ એવું જ પોકળ હશે. મોઢાં પર કરચલીઓની કલ્પના એને સહન થતી નથી.
[ તસ્વીર સૌજન્ય : http://beautifulpencilsketches.blogspot.in/2015/04/beautiful-charcoal-pencil-sketch-of.html]
લક્ષણાના સ્તરે લેખક કેટલાંક નિરીક્ષણ અને સ્ટેટમેન્ટ કરે છે: * “પ્રાણી માત્રની ઉત્પત્તિ થઈ ત્યારથી મનુષ્યના વ્યવસ્થા લાવવાના પ્રયત્નોથી જ આ અવ્યવસ્થાભરી ભ્રષ્ટ રચના ઊભી થઈ છે.” અહીં લેખકે સમાજમાં વેશ્યાવ્યવસાય વિષે એક સ્ટેટમેન્ટ કર્યું છે. * “ટ્રામ, બસ, ટેક્સી અને બળદવાળો ખટારો મોટા રસ્તા પર એકબીજાની છેક નજીક છતાં એકબીજાને અડયા વિના પસાર થઈ જતાં હતાં.” રસ્તા પરના વાહનોના રૂપક દ્વારા લેખક સંસારમાં ભિન્ન પ્રકારના માણસો જોડે સંપર્કમાં આવ્યાં છતાં આપણે આપણું પોતીકાપણું જાળવી રાખીએ છીએ એની વાત કરે છે. * “ભૂખ. ભૂખ કોઈ પણ પ્રકારની, સર્વવ્યાપી બને ત્યારે પરાક્રમોની પરંપરા સર્જી શકે, ક્યારે પરાક્રમોની શક્યતાને હણીયે નાખે... બેમાંની એક અતિશયતા જરૂર ઉપસ્થિત થાય.” આ ભૂખ શારીરિક પણ હોઈ શકે અને માનસિક પણ હોઈ શકે. કથકનો મિત્ર “હજી ઓફિસનું કામ સમેટવાનું બાકી છે.” એવું કહી કથકથી છૂટો પડે છે ત્યારે હકીકતમાં કોણ કથકથી વિખૂટું પડે છે? એ મિત્ર એટલે કથકનો જ એક હિસ્સો કથકથી વિખૂટો પડે છે જે એને વિચલિત કરે છે. બહાર નીકળીને મિત્ર બોલે છે: “કેવી બેહૂદી! ડેડ એન્ડ ઈન–વેશ્યાનું સપનું!” કથક કહે છે, મારા મિત્રે મારા જીવનની એક ક્ષણ વેરવિખેર કરી નાખી. વાર્તામાં કથકનું પાત્ર સામાન્ય પુરુષનું ના હોઈ કોઈ કલાકાર-બહુધા-લેખકનું જ હોય એવા ઈંગિત વાર્તામાંથી મળે છે. એ બંને સ્ત્રીઓને અંગત પ્રશ્ન પૂછે છે, “એક બેહુદો પ્રશ્ન પૂછું?” એવી શરૂઆત કરીને એ વેશ્યા-જીવન વિષે જાણકારી મેળવવા ઈચ્છતો હોય એવું જણાય છે. વ્યંજનાના સ્તરે જોઈએ તો નીલી, ફીફી, કથકનો મિત્ર તેમ જ કથક સ્વયં સહુ એક જ માણસના રૂપ છે. નીલી એટલે આપણા સ્વપ્ના, આપણા આદર્શ, ફીફી એટલે પલાયનવાદ, રણમાં આંધી ઊઠે ત્યારે રેતીમાં મોં છુપાવી દેવાની આપણી ભીરુતા, કથકનો મિત્ર એટલે આપણું ભોળપણ અને કથક એટલે આપણી જિજ્ઞાસાવૃત્તિ.
થોડાંક વર્ષો પહેલાં પ્રસિદ્ધ ઉર્દુ વાર્તાકાર મન્ટો વિષેના એક સેમિનારમાં જાણીતા વાર્તા-પ્રશિક્ષક રાજુ પટેલે જે પેપર વાંચ્યું હતું એનું શિર્ષક હતું, “મન્ટો જેવો લેખક ગુજરાતીમાં કેમ નથી?” હું ધારું છું કે જયંત ખત્રીની આ વાર્તા “ડેડ એન્ડ” માં મન્ટોની આછી ઝલક મળે છે.
###
કિશોર પટેલ/મુંબઈ, શનિવાર, 17 માર્ચ 2018.
######################